Friday, March 23, 2012

મિત્રાયણ : નીરવ પટેલ

સદીઓથી
ગામના સીમાડે જ
ઊગી નીકળેલા આડેધડ જંગલનો
સૌમ્ય સંવેદનશીલ રખેવાળ છે તું
ને
હું છું કઠિયારો.
જંગલના એકેએક ઝાડની પીછાણ છે તને
ને
મનેય.
રોજ રાતે અંધારામાં અથડાતો- કૂટાતો તું નીકળી પડે છે
આડેધડ ઊગેલા જંગલ ભણી.
ક્યારેક તને
મારી કુહાડીના ઘાવથી અરધું પરધું કપાયેલું
ઢળેલું ઝાડ મળે છે.
તેની ખરબચડી સપાટી પર તું તારો હાથ ફેરવે છે
ખુલ્લા આકાશ તરફ કરડી નજર નાખતો.
તારી નજરના ભારથી એકાદ તારો ખરી પડે છે
તો એનીય ફિકર થઇ આવે છે તને.
ક્યારેક તને
મળે છે પૂરો કપાયેલો છોડ.
એ છોડને ઉપાડીને તું રોપે છે
તારી પીડાના ફૂલવાડામાં.
તારા આંસુ અને ઉષ્ણ નિશ્વાસથી
એ છોડ એવો તો પોષાય છે
કે
જોતજોતામાં ઊભો થઇ તાકી રહે છે મને.
મારા ઘાવ
અને તારા જતનથી
આબાદ છે તારો ફૂલવાડો
ને
આડેધડ ઊગી નીકળેલું જંગલ.
તું ઉઝરડાયો છે
થોડો તારા જંગલથી
થોડો મારા ઘાવથી
પણ થાક્યો નથી.
ભાઈ,
હું થાક્યો છું હવે.
મારી જ કુહાડીના હાથાના ટેકે
ઉભડક બેસી પડ્યો છું.
તું આવે છે પરોઢિયે
ઉઝ્રરડાયેલા હાથે પાણીનો ગ્લાસ લઈને
મારા માટે.
હું પાણી પીઉં છું.
મારી પીઠ પર
તારો ઉષ્માભર્યો હાથ ફરી રહ્યો છે.

સમીર ભટ્ટ
(
શબ્દસૃષ્ટિ, ફેબ્રુઆરી ૨૦૧૧ )